बावरी बारिश ..!!

बावरी बारिश ..!!

 

बावरी बारीश

वो आई थी कुछ देने मुजे,

एक हल्का हवा का झोका, थोड़ी भीगी – सी खूश्बू

और इंन्द्रधनुष के दो-चार रंग

लेकिन मैं कम्प्यूटर की windows खोलकर बैठी थी,

वो खिड़की पर कुछ बूंदे चिपका कर चली गई ।

વરસાદ અને કવિતાને કંઈક અજીબ જ કનેક્શન છે. આ બાજુ વરસાદ શરૂ થાય અને મનમાં આમ કવિતાનાં ખાબોચિયાં ભરાય ! મોસમ અને મન બંને વિશે અનુમાન લગાવુ મુશ્કેલ હોય છે. ક્યારેય શું થઈ જાય એ ખબર ના પડે. 🙂 તેમાં પણ સવારે અલાર્મ ક્લોક કે મમ્મીની બૂમોને બદલે વરસાદના અવાજથી ઉઠાવાની મજા જ અલગ છે. સ્કૂલમાં નાના હતા ત્યારે લખતા હતા કે વરસાદ દરેક વસ્તુમાં નવી ચેતના જગાડે છે. અને આજે ઘણા સમય પછી બ્લોગમાં પણ લાવી દીધી. પણ બહુ લખવું નથી. જેણે આ લખવા પ્રેરી છે તેને થોડું attention આપી દઉં. 😉 હેપી મોન્સૂન !! 🙂

 

સફરનામા

સફરનામા

“સફરનામા…..!

તેરી ઓર સે ઉઠા મેરી ઓર કો કદમ પહેલા,

મિલેંગે હમ…!!! ”  (movie – Tamasha )

હિમાલયના પહાડો પણ મને કદાચ આ જ કહી રહ્યા હશે જયારે મેં પહેલીવાર તે  સફેદ પહાડોની ટોચ જોઈ!

અમદાવાદમાં મને એક જ વસ્તુ નથી ગમતી અને એ છે પહાડની કમી. અને એટલે જ જયારે પણ મને એવું પૂછવામાંઆવે કે ફરવા ક્યાં જઉં છે  ત્યારે હું mostly એ જ જગ્યાઓ prefer કરું કે જ્યાં પહાડ હોય. અને એમાં પણ જો મોટો આંટો મારવાનો હોય તો તો ફટ દઈને મોં પર આવી જાય ” ચાલો હિમાલય” ! તે પછી ઉત્તરાખંડમાં કૌશાનીના પહાડ હોય કે અરુણાચલમાં તવાંગ. હિમાલય એટલો વિસ્તર્યો છે ને કે તમે ઉત્તર બાજુ જાવ એટલે ક્યાંક ને ક્યાંક તો દર્શન આપે જ. ક્યારેક આછી -પાતળી ઝલક મળે તો કયારેક આખા ને આખા સમાઈ જઈએ. એમાં પણ બર્ફ , ઠંડી, ધ્રુજાવી દે તેવો વરસાદ, પવન , ફેલાયેલા શંકુદ્રુમના જંગલો, અને એ ધ્રુજતા હાથે, કડકડાટ દાંતે ગરમ ચા કે કોફીની ચૂસકી લો ને સામે તાજા સૂર્યકિરણનો સહારે જામી ગયેલાં બરફને ખંખેરતો અને પોતાના બંને હાથમાં નાના બાળકોની જેમ વાદળોને ઉંચકેલો હિમાલય દેખાય એટલે તમારો ફેરો સફળ

16830962_1423833624324732_738157094681062955_n

 

જેટલી પણ વાર એ પહાડોમાં જાઉં છું દર વખતે હું આ ઉપરની તસ્વીર લઈને પાછી આવું છું. પણ છતાંય એ દરેક તસ્વીરમાં અલગ રંગ હોય છે. કઇંક નવું હોય છે. રાત્રે મને આકાશ અને પહાડ સરખા લાગે છે. અંધારામાં પહાડ પર ક્યાંક ક્યાંક, ઝીણા ઝીણા ઝબૂકતાં બલ્બની રોશનીઓ અને રાત્રીના તારાઓથી ટમટમતું આકાશ – બંને same. પહાડી વિસ્તારમાં રાત્રિનું આકાશ જોવાની પણ અલગ મજા છે. જાણે જાંબલી-કાળા રંગની ઓઢણીમાં સફેદ ઝીણી ઝીણી ભાત હોય ને તેવું લાગે.img_20170125_105800

 

arunachal-271રાત્રે કાળા ડિબાંગ લાગતા આ પહાડને સવારે સૂર્યોદય પહેલા જુઓ તો આખું અલગ જ સ્વરૂપ દેખાય. આછું અંધારું હોય, ક્યાંક ક્યાંક બત્તીઓનો આછો પીળો પ્રકાશ અને ચારે બાજુ બધું ભૂરું-ભૂરું, ભૂરો બરફ, ભૂરું આકાશ, ભૂરા પહાડી ઢોળાવો , રસ્તા અને શાંત આંખે સૂરજની રાહ જોતો ભૂરો હિમાલય. અને બસ પછી આંખો ત્યાંથી ખસે જ નહીં. મનને કઇંક અલગ જ શાંતિ મળે. ધીમે ધીમે વાદળો ખસતા જાય, ધુમ્મસ આછું થતું જાય અને સૂર્યોદય સાથે હિમાલયની  એ વિશાળ શ્રેણી પરનો બરફ સોનેરી રંગે રંગાઈ જાય. ત્યાંનો તો વરસાદ પણ અલગ ! સળંગ ના આવે પણ આવતો – જતો રહે અને તરત જ  રંગબેરંગી છત્રીઓ ખુલી જાય, પહાડમાંથી અગણિત નાના નાના ઝરણા ફૂટી નીકળે અને મેગી-મોમોઝના સ્ટોલ્સ પર સંખ્યા વધી જાય. અને તેમાં પણ સ્નો – ફોલ થાય એટલે  જ્યાં જ્યાં બરફ ના હોય  – ત્યાં રસ્તા પર, ઘરના છાપરા પર, કે આપણા જેકેટ પર, નાના નાના સફેદ મોતી વેરાયેલા હોય તેવું  લાગે.

arunachal-233

હિમાલયની કુદરતી સુંદરતાની સાથે ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના રહેવાસીઓ પણ સુંદર છે. ત્યાંના મોટા ભાગના લોકો મને  દિલના સાફ, caring અને હમેંશા મદદરૂપ  – સ્વભાવવાળા જોવા મળ્યા છે. જેમ કે અરુણાચલના તવાંગમાં જયારે ત્યાંની સૌથી ઊંચી peak પર જઈને પાછા આવ્યા ત્યારે અમે બધા જ ઠરી ગયા હતા. અમે જે ગેસ્ટ હાઉસમાં રોકાયેલા ત્યાંના માલિકે, અમે કઈ જ કહ્યું  નહોતું છતાં પણ, અમારા રૂમમાં હીટર, અમારા પગ શેકવા માટે ગરમ પાણી અને સાથે સૂપ આપીને ગયા. તે જ રીતે ડેલહાઉસીમાં અમે એક restaurant માં ગયા જ્યાં વેજ – નોનવેજ બંને પ્રકારનું ફૂડ મળતું હતું અને અમે ઓર્ડર કર્યો ત્યારે ત્યાંના કર્મચારીએ જણવ્યું કે ” અમે અત્યારે એક જ તવા પર બંને food બનાવીએ છીએ તો તમને ચાલશે ?”  આ વસ્તુ એમણે કહી ના હોત તો અમને ખબર નહોતી પડવાની પણ છતાંય તેમણે જાણ કરી. આવા ઘણા ઉદાહરણો છે જેમાં લોકો એ selflessly અમને મદદ કરી હોય.
arunachal-167સિક્કિમમાં પેલિંગ નામનું નાનું ગામ છે, આવી રીતે પહાડોમાં જ વસેલું, ત્યાં અમારી સાથે જે ડ્રાઈવર હતો તે ખુબ નિખાલસ। તે કહે,” આખા સિક્કિમમાં પેલિંગના લોકો સૌથી વધારે બુદ્ધુ, સૌથી મૂર્ખ પ્રજા” અને પછી પોતે પેલિંગનો  હોવા છતાંય પોતાની પર જ જોક બનાવીને અમને હસાવે।  તેણે અમને કહ્યું હતું કે ” તમે લોકો સારા છો તેથી તમને બધા સારા જ લોકો મળશે।” જે મને હજી પણ inspire કરે છે કે હું બધા સાથે સારું વર્તન કરું અને જો તમે કોઈની સાથે સારી રીતે રહેશો તો એ લોકો તમને યાદ રાખવાના જ છે.

 

100_5413

arunachal-369

આ સાથે  લાલ લાલ ગાલ ધરાવતા,  એક જ રંગના સ્વેટર પહેરી, ધીરે ધીરે  પહાડ ચઢી સ્કૂલે જતા ભૂલકાઓ,  પીઠ પાછળ બાસ્કેટ લટકાવી, ચાના બગીચામાં કામ કરતી યુવતીઓ,  નીલી આંખો ધરાવતા, લાંબો કાળો કોટ પહેરેલા યુવાનો,  માથા પર પહાડી ટોપી પહેરેલા, મોમોઝના  સ્ટોલ  પર બેસી , કસ્ટમરની રાહ જોતા કાકાઓ,  ઝીણી આંખો, કરચલી વાળું મોઢું, ગરમ કપડાં પાથરીને બેસેલી અને ઉનથી કૈંક ગૂંથતી વૃદ્ધાઓ, ખુબ ઠંડીમાં, લગભગ 10000 ફીટ ઉપર,  મોઢા પર સ્કાર્ફ બાંધી,પથ્થરો તોડવાનું કામ કરતી પહાડી મહિલાઓ અને

arunachal-267

તેનાથી પણ ઉપર, આખા રસ્તે, કાબરચીતરા પોષાકમાં સજ્જ, ખડે પગે તૈનાત, માત્ર એક વ્યક્તિ જ ઉભો હોય અને આજુબાજુ એક ચકલું પણ ના ફરકતું હોય, ચારેબાજુ સફેદ બરફની ચાદરો અને ઠંડી,  તોફાન,પવન, વરસાદ બધું જ સહન કરતા હોય તેવા આપણા આર્મીના જવાનો – આ છે હિમાલય !  આ પહાડી જીવન જેટલું રમ્ય લાગે છે તેટલું જ કઠિન પણ છે  અને તેનો કદાચ ત્યાં રહીએ તો જ અનુભવ થાય.

 

 

 

Arunachal 243.jpg

ચારે બાજુ ફરફરતી, બૌદ્ધ ધર્મની પાંચ રંગની ધજાઓ, બહાર રંગબેરગી ફૂલોના કુંડા મુકેલા લાકડાના ઘરો, પહાડ ફરતે ગોળ – ગોળ બનેલા, વાંક – ચુકા રસ્તાઓ અને તેવી જ  રીતે  વહેતી, ચોખ્ખું પાણી અને લીસા ગોળ પથ્થરોવાળી નદીઓ ધરાવતા હિમાલયના પહાડો પર ચાલતી બસની બારીમાંથી માથું બહાર કાઢતા જે ઠંડો, ભેજયુક્ત પવન  મોં પર અથડાય ને તેમાં મને હિમાલયનો શ્વાસ સંભળાય છે. અને એટલે જ જયારે પણ તક મળે ત્યારે હું આ પહાડોમાં, આ હસીન વાદિયોંમાં ખોવાઈ જવા ઈચ્છું છું.

 

100_5166

 

 

સરવૈયુ

સરવૈયુ

વર્ષના છેલ્લા દિવસો બાકી રહે એટલે of course એક વાર તો વિચાર આવી જ જાય કે ” અરે , વર્ષ પૂરું પણ થઇ ગયું ?” અને આ સવાલની સાથે જ આખા વર્ષ દરમિયાન શું શું થયું તે બધું ધીમે ધીમે યાદ આવતું જાય. તેની સાથે નવા વર્ષમાં “આમ કરવું છે હવે તો ” તેવા plans બનવા માંડે. ગુજરાતીમાં આ process માટે એક સરસ શબ્દ છે – “વીતેલા વર્ષનું સરવૈયું”. “સરવૈયું” એટલે balance sheet. આખા વર્ષમાં શું થયું તેની હિસાબ કિતાબ. જે પણ સારી – નરસી ઘટનાઓ બની હોય તેનું સરવૈયું કાઢવાનું.

આખા વર્ષમાં આપણા બધા પાસે એવી એક ક્ષણ તો હોય જ કે જયારે આમ “I am the top of the world ” વાળું ફીલ થયું હોય. જયારે દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ આપણે હોઈએ. પહેલી વાર પોતાના નવજાત શિશુને હાથમાં લેવાની ક્ષણ હોય કે પછી કોઈ અચિવમેન્ટ મેળવી હોય ! અને એક ગમગીન ક્ષણ પણ હોય – જાણે બધું દુઃખ ભગવાને આપણને આપી દીધું હોયને તેવું લાગે। કોઈક સ્વજનનું મૃત્યુ , કોઈનું બ્રેક – અપ , દોસ્ત સાથે ઝઘડો, ખુબ મહેનત કર્યા પછી પણ જોઈતું રિઝલ્ટ ના મળ્યું હોય, બોસે બધાની સામે insult કરી હોય…વગેરે. એક એવી moment પણ હોય કે જયારે  મન એકદમ શાંત થઇ ગયું હોય – peaceful state – વાળી ક્ષણ –  રિવરફ્રન્ટ પર બેઠા, એક નજરે નદીમાં ઉઠતી લહેરોને જોયા કરતી વખતે મને આ અનુભવ થયેલો. પછી  “આજ કુછ તુફાની કરતે હૈ” વાળી ક્ષણ – કૈંક અલગ કર્યું હોય કે આપણી સાથે બન્યું હોય. કૈંક એવું જે પહેલા ક્યારે ના થયું હોય, તદ્દન નવું. એમાં પછી બધું આવી જાય – પહેલી વાર સાડીમાંથી જીન્સ પહેર્યું હોય કે પછી પહેલી વાર કોઈ છોકરી સાથે વાત કરી હોય.

વર્ષમાં એક “સંતોષ” વાળી કે “હા….શ” વાળી પણ moment પણ હોય છે. જયારે આમ બધું જ પાર પડ્યું હોય. દીકરાની નોકરી લાગી ગઈ હોય કે પછી મનગમતી કોલેજમાં એડમિશન મળી ગયું હોય. ક્યારેક સીરિયલમાં હીરો – હિરોઈન વચ્ચે થયેલી ગેરસમજો દૂર થઈ જાય ત્યારે પણ આ વાળી ફીલિંગ કેટલાક  લોકોને આવતી હોય છે તે મેં જોયેલું છે. 😛 😀 આમ “જીવમાં જીવ બેઠો” જેવો અનુભવ થાય. સાથે એકાદ “નિરાશાજનક ક્ષણ” પણ હોય ! ત્યારે આમ આખી દુનિયા, પૃથ્વી, તારા, ગ્રહો, નક્ષત્રો , નસીબ – આ બધુ જ આપણી વિરુદ્ધ હોય એવુ લાગે. કોઈને આપણી પડી નથી ને મનમાં બધુ છોડીને હિમાલય જતા રહીએ તેવા જ વિચારો આવે. પણ તેની સાથે જ એક નવી શરુઆત કરવાની moment પણ જોડાયેલી હોય છે. એક ” ભયાનક ક્ષણ” પણ હોય –  જયારે આપણે સૌથી વધારે ડરી ગયા હોય. કોઈ હોરર મુવી જોયું હોય કે પછી કોઈ એક્સીડંટ થયો હોય  જેમાં માંડ માંડ બચ્યા હોઈએ. અને એક ” Regret moment” હોય  – જેનો એ ક્ષણથી લઈને આજ સુધી આપણે પસ્તાવો કર્યો હોય અને કદાચ lifetime સુધી એ રહેવાનો હોય.

આ બધી જ અને આવી બીજી અનેક ક્ષણો આપણી સાથે દર વર્ષે બનતી રહે છે.  આપણી પાસે દર વર્ષે  ” most happiest” કે “most horrible” moments  હોય છે  અને તેવી જ  રીતે – ” most exciting” ,”most terrific” ,”most lovely” ,” worst”, “best” etc etc . પણ આ ક્ષણોના કારણો બદલાતા હોય છે ક્યારેક જૂનું મનગમતું શર્ટ કોઈને બરાબર ફિટ થઇ જાય એ  most happiest  ક્ષણ હોય છે તો બીજા માટે મનગમતો સાથ મળ્યો હોય તે. કારણો, ઘટનાઓ  બદલાતા રહે પણ આપણે બધા વર્ષ દરમિયાન આ બધાનો જ અનુભવ કરીએ છીએ.

હમણાં મેં મારી 11 ધોરણની મારી ડાયરી ખોલી હતી. તે વખતે હું મારી ડાયરીમાં શરૂઆતમાં બે પાનાં ખાલી રાખતી. એકનું title ” વર્ષની બેસ્ટ moments” અને બીજાનું “વર્ષની ખરાબ moments”. આખા વર્ષમાં જે પણ સારી-ખરાબ ઘટનાઓ બની હોય તે ધીમે ધીમે લખાતી જતી. હમણાં જયારે ડાયરી ખોલી ત્યારે પહેલું પાનું આખું ભરેલું હતું જયારે બીજા પાનાં પર માંડ બે – ત્રણ  વસ્તુઓ  લખેલી હતી. પછી મને યાદ આવ્યું કે હુ તે લિસ્ટ બનવતા પહેલા દરેક ઘટના વિષે વિચારતી કે આ સાચે સૌથી ખરાબ ઘટના છે ? શું આ લિસ્ટમાં આવી શકે ? અને એટલે જ કદાચ બે ત્રણ વસ્તુઓથી વધારે મને કઈ લખવા યોગ્ય નહોતું લાગ્યું. આજે હું એ વાંચું છું તો મને થાય છે કે દર વર્ષે આવા બે પાના લખવા જોઈએ. કદાચ ત્યારે realize  થાય કે જે ક્ષણ સૌથી ખરાબ હતી એ ખરેખર લિસ્ટમાં આવી શકે ?!! અને સાથે બેસ્ટ moments નો ઢગલો તો નફામાં મળે. તો છેલ્લે આવનાર વર્ષમા બધાને જ આ બધી જ ક્ષણો માણવા મળે તેવી શુભેચ્છા and ‘Happy New Year.’ 🙂 🙂 

He is not Chhotu !

He is not Chhotu !

14 નવેમ્બર એટલે બાળદિન. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોતાના બાળપણના ફોટા મૂક્યા તો કેટલાકે પોતાના બાળકોના ફોટા મૂક્યા. છાપામાં  વિવિધ શાળાઓમાં અને બીજી જગ્યાએ બાલ દિનની ઉજવણી  કેવી રીતે થયી તેના આર્ટિકલ્સ વાંચ્યા. વૉટ્સઅપ પર ” દરેક માણસની અંદર એક બાળક છુપાયેલું હોય છે..વગેરે વગેરે” જેવા મેસેજીસ ફોરવર્ડ થયા. પરંતુ અમુક બાળકોએ તેમનો બાળદિન કોઈક ઢાબા પર વાસણ ધોતા, ભર બપોરે તડકામાં ટ્રાફિક સિગ્નલ પર  નાની વસ્તુઓ વેચતા કે ચ્હાની લારી પર ગ્રાહકોને ચ્હા પહોંચાડતા ઉજવ્યો હશે. આમાંથી કોઈએ કદાચ ગાળ કે માર પણ ખાવો પડ્યો હશે, ધુત્કાર સાંભળવવો પડ્યો હશે અથવા ભૂખ્યા પેટે સૂવું પણ પડ્યું હશે.

14મી નવેમ્બરે યૂટ્યૂબ પર TVF દ્વારા “He is not chotu” નામનો  વિડીયો અપલોડ કરાયો છે. 5-6 મિનિટના  આ વિડીઓમાં ઘરકામની જોબ માટે બાળકોનો ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યો  છે. છેલ્લે સવાલ પૂછવામાં આવે છે કે  – “છેલ્લા પાંચ વર્ષ પછી તમે તમને ક્યાં જુવો છો ?”  અને ના તો “છોટુ” પાસે તેનો જવાબ છે અને ના તો કદાચ આપણી પાસે ! આપણી આસપાસ , દરરોજે આપણે  આવા અસંખ્ય નાના બાળકો જોઈએ છીએ કે જેઓનું બાળપણ ખોવાઈ ગયું છે. ફુગ્ગા રમવાની ઉંમરે તેઓ ફુગ્ગા વેચતા હોય છે. આપણે સૌ  જાણીએ છીએ કે  “બાળમજૂરી ” એક ગુનો છે અને સરકારે તેની વિરોધમાં ઘણા કાયદાઓ પણ બનાવ્યા છે પરંતુ આપણે જોઈએ છીએ, બે મિનિટ વિચારીએ છીએ, 5 મિનિટ દુઃખ અનુભવીએ છીએ અને પછી આપણી દુનિયામાં વ્યસ્ત થઇ જઈએ છીએ. આજે ઇન્ડિયામાં લગભગ 1 કરોડ કરતા પણ વધારે બાળમજૂરો કામ કરે છે અને મોટાભાગના બાળકોને બળજબરીથી કામ કરવા મોકલાય છે – કાંતો માતા પિતા પોતે મોકલે છે અથવા તેમને ખરીદાય છે.  ભણવાનું તો દૂરની વાત છે પરંતુ તેમને પૂરતું રહેવાનું કે જમવાનું પણ મળતું નથી અને માનસિક કે શારીરીક શોષણ થાય તે અલગ. અને આ કારણોને લીધે  “છોટુ” કે “ટેણી” કહીને બોલાવતા આ બાળકો ભવિષ્યમાં ક્યારેય પોતાનું નામ નથી બનાવી શકતા.ઘણી વાર ખરાબ આર્થિક પરિસ્થિતિ કે બીજા કારણે બાળકો જાતે જ ઘરમાં મદદ કરવા કામ કરતા હોય છે. હમણાં જ  મેં એક કિસ્સો વાંચ્યો જેમાં તે બાળકી સવારે શાળાએ જતી હતી અને સાંજે બબલ -સ્ટિક વેચાતી હતી જેથી તેના પરિવારને મદદ કરી શકે. પરંતુ આવા કિસ્સા ઘણા ઓછા જોવા મળે છે.

ઘણા  NGO , foundations આ બાળમજૂરીને દૂર કરવા કામો કરી રહ્યા છે. પરંતુ જરૂરી નથી કે લીગલ રીતે જ આપણે તેમને મદદ કરી શકીએ. આપણે તેમની સાથે સારી રીતે વાત તો કરી શકીએ ને ? તેમની સાથે સારો વર્તાવ કરીએ, તેમને ધુત્કારીએ નહિ અને ક્યારેક તેમની સાથે વાતચીત કરીને પણ આપણે તેમને મદદ કરી શકીએ છીએ. દિવાળીમાં મને એક  મેસેજ આવ્યો હતો કે તમારી કાર કે તમારી બેગમાં બિસ્કિટના પડીકા, ચોકલેટ્સ, પાણીની નાની બોટલ્સ કે નાની અમુક વસ્તુઓ રાખો અને આવા જે નાના બાળકો કામ કરતા દેખાય તેમને આપો and with a SMILE ! ઘણીવાર તેમને પૈસા કરતા વધારે સ્મિત કે હૂંફની જરૂર હોય છે. આ વસ્તુ માત્ર દિવાળીમાં શું કામ, અપને 365 દિવસ કરી શકીએ છીએ.

મને યાદ છે એક વાર હું બહાર ફરવા ગઈ હતી અને ત્યાં એક યંગસ્ટરનું ગ્રુપ કેમેરાથી એકબીજાના ફોટા પડતું હતું, સાઈડમાં કિચેન વેચતી નાની છોકરી ઉભી હતી અને ક્યારની તેમને જોતી હતી. તેમાંથી એક જણનું ધ્યાન ગયું અને તેણે તે છોકરીને બોલાઈ અને  પૂછ્યું કે તારે ફોટો પડાવવો છે તો પેલીએ તો ના પાડી. થોડીવાર વધારે કહ્યું પછી પેલીએ કહ્યું કે મારે ફોટો પડાવવો નથી પણ પાડવો છે. પેલાએ થોડું વિચાર્યા પછી તેને કેમેરો આપ્યો  અને કેવી રીતે  ફોટા પડે તે બતાવ્યુ. અને તે કેમેરા પકડતી વખતે તે છોકરીના મોઢા પર જે સ્માઈલ હતું, બે ત્રણ ફોટા પડ્યા તેણે  અને પછી ફટાફટ આપીને તેના સામાન પાસે દોડી , ત્યાં તો અડધેથી પાછી આવી અને મસ્ત રીતે તેની દેશી ભાષામાં “થેંક્યુ” કહ્યું.  ન’તો તેણે  તેની વસ્તુ વેચવાનો પ્રયત્ન કર્યો કે ન તેને કોઈ રૂપિયા માંગ્યા પણ તેના મોઢા પર જે ખુશી હતી  તે સાચે અમૂલ્ય હતી.  આપણે તેમની સ્થિતિ સુધારી ના શકીએ પણ થોડી ખુશી તો આપી જ શકીએ છીએ.

આવી જ રીતે એક બીજો કિસ્સો છે. એક બહેન, જેઓ રિટાયર્ડ ટીચર હતા. તેમના ઘરે કામ કરવા આવતા બહેન તેમની છોકરીને લઈને આવતા અને તે પણ ઘરકામમાં મદદ કરતી. હવે આ બહેનને તે ગમતું નહિ. તેમણે પેલા બહેનને ઘણું સમજાવ્યા પણ તે માન્યા નહિ. અંતે તેમણે  કહયું કે હું તને વધારાના રૂપિયા આપું તમે કામ કરો ત્યાં સુધી આ છોકરીને અહીંયા મૂકી જવાની. આ સાથે જ તેમને વિચાર્યું કે આવા તો ઘણા માં-બાપ હશે કે જેઓ પોતાના બાળકોને પણ કામમાં જોડતા હશે  અને તેમને આવી રીતે બે-ચાર કામવાળી બાઈઓના  છોકરી-છોકરાઓને ભેગા કર્યા. તેઓ દરોજે તેમને રમાડે, ભણાવે, વાર્તાઓ કહે અને કઇંક નવું શીખવાડે. અને આગળ જતા ઘણા પ્રયત્નો પછી તેઓ’  તેમને શાળામાં એડમિશન અપાવવામાં પણ સફળ રહ્યા.

આવી ઘણી નાની નાની વસ્તુઓ છે જે આપણે કરી શકીએ છીએ. જેમકે, આપણા ત્યાં કામવાળા તેમને બાળકોને લઈને આવે તો તેમને રોકી શકીએ છીએ. રસ્તા ઉપર નાની નાની વસ્તુઓ વેચતા બાળકોને  સ્મિત ના આપી શકીએ તો કૈં નહિ પણ at least ધુત્કારીએ તો નહિ. કારણકે તેમાંથી ઘણા બાળકો માનસિક અથવા શારીરક રીતે પીડાતા હોય છે. બની શકે આપનો એક સારો શબ્દ અથવા કોઈ નાનું કામ તેમને થોડી ક્ષણોં માટે ખુશી આપી શકે. અને ઉપર મેં જે વીડિઓની વાત કરી છે તેની લિંક આ  – he is not chotu !  ( ખરેખર ખુબ સુંદર વિડિઓ છે )  🙂

 

 

Ace against Odds

Ace against Odds

હમણાં જ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બુક “ Ace against Odds”  આવી અને તે માટે એક જાણીતાં ન્યુઝ રિપોર્ટર તેનો interview લઈ રહ્યા હતાં. તેમણે સવાલ કર્યો કે સાનિયાએ તેની બુકમાં તે ઉલ્લેખ નથી કર્યો કે તે ક્યારે “સેટલ” થશે? ક્યારે “માતૃત્વ” ધારણ કરશે ? એવું લાગે છે કે તે હમણાં “સેટલ” થવા માંગતી નથી. તેની સામે સાનિયાએ જવાબ આપ્યો કે તમને નથી લાગતુ કે હું સેટલ છુ ? હંમેશા સ્ત્રીઓએ આ પ્રશ્નનો સામનો કરવો પડે છે ભલે પછી તે ન્ંબર વન ખેલાડી હોય. આ સાંભળ્યા પછી પેલા ભાઈએ તો તરત માફી માંગી અને પછી તેમણે કહ્યું પણ ખરું કે હું કોઈ પુરુષ ખેલાડીને આ સવાલ ન પૂછત કદાચ.

ના, મારે કોઈ ફેમીનીસમની વાત નથી કરવી, પણ લગ્ન કરવા, માતૃત્વ કે પિતૃત્વ ધારણ કરવુ તે બન્ને માટે એટલુ જ મહત્વનુ છે નહીં કે માત્ર સ્ત્રી માટે જ. આજે છોકરીઓના ભણતર વિશે સમાજમા ઘણી જાગૃતિ જોવા મળે છે, છોકરીઓ ભણી રહી છે, આગળ વધી રહી છે. દુર દુર ના ગામડાઓ – શહેરોમાંથી છોકરીઓ હોસ્ટેલમાં રહે છે અને ભણે છે. સારું લાગે છે. હું ખુશ થઈ જાઉ છું જ્યારે હું સાંભળુ કે છોકરીઓને આગળ ભણાવવી જ જોઈએ, ગ્રેજ્યુએશન તો કરવાનું જ ! અને તેના પછી પણ મને એક લાઈન સાંભળવા મળે છે કે આજકલ છોકરીઓ એટલી તો ભણેલી હોવી જ જોઈએ નહીંતર પછી “સારુ” મળતું નથી. છોકરાઓને પણ એવી જ છોકરીઓ જોઈએ છે કે જે ભણેલી હોય. આ સાંભળીને મને સવાલ થાય કે ખરેખર છોકરીઓને ભણાવવાનો હેતુ શું હોય છે?   એ જ કે તે વધુ ભણેલી હોય તો મેરેજના માર્કેટમાં તેની વેલ્યુ વધી જાય ? અને ઉપરની વાતને અનુલક્ષીને કહીએ તો કદાચ તે સારી રીતે  ” સેટલ ડાઉન” થઈ શકે ?

કોલેજમાં એવી ઘણી છોકરીઓ છે કે તેઓના ગ્રેજ્યુએશનની એટલે રાહ જોવાય છે કે જેથી પછી તરત જ તેમના લગ્ન થઈ શકે અને કેટલી છોકરીઓ એ તો અડધેથી ભણવાનુ છોડી પણ દીધુ છે કારણકે તેમને “સારું” ઘર મળી ગયુ. આ વાત માત્ર મા-બાપ તરફથી જ નથી, પણ કેટલી છોકરીઓમાં પણ મેં જોયુ છે કે તેઓ માત્ર એમનેમ જ ભણતા હોય છે કે કોઈ કોર્સ કરતા હોય છે , તેમનો કોઈ “ગોલ” નથી હોતો કારણકે તેમના મનમાં કંઈક અંશે તે હોય જ છે કે મારે તો છેવટે પરણવાનું જ છે ને ! કારણકે તેમના મા-બાપ અને સમાજ તરફથી પહેલેથી એ જ વિચાર મૂકવામા આવ્યો હોય છે. તેઓ પણ તેની આગળનું કંઈ વિચારી જ નથી શકતી.

આ વસ્તુ માત્ર કોઈ અમુક કોમમાં, જાતિમાં કે જેઓ અમુક વિસ્તાર કે નાના ગામોમાંથી આવતા લોકોમાં જ જોવા મળે છે તેવુ નથી. હમણાં હું એક કામ માટે એક બહેનને મળી, હવે તેમણે મને બધુ સમજાવ્યુ અને છેલ્લે કહ્યુ કે છોકરીઓ માટે તો આ બહુ જ સારુ અને “સેફ” કહેવાય અને આમ પણ લગ્ન પછી જોબ માટે કોઈ ના પાડે પણ આ કામ તો થાય અને આવક પણ સારી થાય , તમે કુંવારા જ આટલું ક્માઓ તો છોકરાઓ પણ ના ન પાડે – અને આ કહેવાવાળા પણ એક એજ્યુકેટેડ મહિલા હતાં. આવું તો આજુબાજુ ઘણુ સાંભળવા મળતુ હોય છે. મહિલાઓ માટે બેંકની નોકરી “સેફ”, એંજીનીયરીંગની અમુક જ શાખાઓમાં તમને છોકરીઓ જોવા મળશે, બાકી શાખાઓમાં માંડ બે-ચાર હશે. એવી રીતે તબીબી શાખાઓમાં પણ આવુ જ જોવા મળે છે. કોઈકને અલગ વસ્તુ કે શાખા પસંદ કરવી હોય છતાં પણ  તેમના સંબંધીઓ કે ઘરવાળા તેમને તેમ ન કરવા દે કારણકે છોકરીઓ માટે તે “સેફ” નથી. જો આવું કિરણ બેદીના મા-બાપે વિચાર્યુ હોત તો તે I.P.S બની શકત ? બચેન્દ્રી પાલના મા-બાપે વિચાર્યુ હોત તો તે માઉન્ટ એવરેસ્ટ સર કરી શકત ?

Educationનો મુખ્ય હેતુ છે કે વ્યક્તિ જાતે વિચારી શકે, પોતાની એક ઓળખ બનાવી શકે અને છોકરીઓના શિક્ષણ માટે પણ આ જ ઉદ્દેશ હોવો જોઈએ.  સ્ત્રીને કેળવણીની જરૂરિયાત એટલે નથી કે જેથી તે તેના બાળકોને સારું ભણાવી શકે કે તેમને સારાં બનાવી શકે. પણ એટલા માટે કે જેથી તે પોતે જાતે વિચારી શકે, સમજી શકે અને તે વિચારોને રજૂ પણ કરી શકે. સ્વતંત્ર બની શકે.  એક સરસ ભવિષ્ય બનાવી શકે. તે નોકરી કરે કરણકે  તે independent બની શકે, તેનામાં એક આત્મવિશ્વાસ આવે, તે સપનાં જોઈ શકે અને તેને પૂરાં પણ કરી શકે.  જ્યારે આ વિચારથી છોકરીઓને ભણવવામાં આવશે ત્યારે જ ખરેખર સ્ત્રી – શિક્ષણ અંગે આપણે જાગૃત ગણાઈશું.

Vicharyatra July

નવરા રહેવાની કળા..!!

હમણાં એક લેખન અંગેનાં વર્કશોપમાં ગઈ હતી ત્યાં વક્તાએ કહ્યું કે માણસ હવે નવરો નથી થતો. જ્યાં સુધી નવરો ના થાય ત્યાં સુધી બીજા વિચારો મનમાં આવે નહીં અને વિચારો ના આવે એટલે લખાય નહીં. ભાઈની વાત સાચી છે. તમે જ વિચારો છેલ્લા કયાં દિવસે તમે એટલા નવરા કે ફ્રી હતાં કે આમ અડધો કલાક બસ બેસી રહ્યા કે વિચારવામાં ગાળ્યો..? કદાચ યાદ નહીં હોય કારણકે આપણે સતત વ્યસ્ત રહીએ છીએ. બીજાને સમય આપવામાં કે બીજા સાથે સમય ગાળવામાં એટલા વ્યસત કે પોતાને સમય આપવાનો ભૂલી જઈએ છીએ. ના, બીજાને સમય આપવો ખોટું નથી પણ પોતાને સમય આપવું પણ એટલુ જ મહત્વનું છે અને એટલે જ નવરા રહેવાની કળા શીખવાની જરૂર છે

સોશિયલ મીડીયાએ માણસને સમાજથી દૂર કર્યો કે નજીક એ તો હંમેશનો ચર્ચાતો મુદો છે. પણ એકવાર એ ખરેખર વિચારીએને તો ખબર પડશે કે આપણે તેને જરૂરથી વધારે સમય આપી રહ્યા છીએ ને અને તેના લીધે જે વસ્તુઓને સમય ખરેખર આપવો જોઈએ તેને નથી અપાતો. તેના કારણે આપણે નવરા કે એકલા કદી પડતા જ નથી. તમે ક્યાંય પણ જાઓ એ તમારી સાથે ને સાથે ! વેકેશનમાં ફેમીલી સાથે બહાર ફરવા ગયા- ચેક ઈન કરવાનું – flying with Raghu Anand and 12 others – આ સ્ટેટસમાં એ જે પ્લેનમાં બેસવાનો “આપણો” રોમાંચ હોય છે તે આવવાનો અટકી જાય છે. કોઈ અલગારી પહાડી પર છો  – મસ્ત સનસેટ જુઓ છો – સ્ટેટસ – Enjoying Sunset With Meera and 4 others. સાથે સેલ્ફી અને કોઈ ન સમજાય તેવી પંકતિઓ. અલા ભાઈ ! સૂરજ તો ક્યારનોય ડૂબી ગયો અને તેમાં પેલા સૂર્યાસ્તવાળા પવનની જે લહેરીઓ હતી ને તે પણ તમે ચૂકી ગયા.

ટ્રેનમાં મુસાફરી કરવી મારી પ્રિય વસ્તુ છે. બે – ત્રણ કલાકમાં તો તમને ૭-૮ નવા માણસોનો પરિચય થઈ જાય છે. તેમના ઘર અને બાળપણથી માંડીને તેમના અડધા જીવનનો ખ્યાલ આવી જાય કારણકે તમે ટ્રેનમાં નવરા હોવ છો. બહુ-બહુ તો પુસ્તક હોય એકાદ- એ પણ રસિયા હોય તો જ ! પણ હવે તે શક્ય નથી કારણકે ટ્રેનમાં બેઠા પણ હવે તમે તમારા કોઈ દોસ્ત સાથે જ વાત કરશો. જેના કારણે કોઈ નવી વાત, નવી સંસ્કૃતિ કે નવી જગ્યા વિશે તમારો સાથી મુસાફર વાત કરવાનો હશે તે રહી જશે કાંતો પછી તે ટ્રેનની બારીમાંથી પસાર થતાં ગામડાં, શહેરો, જુલુસો, ઝૂંપડપટ્ટીઓ, અરે આગ્રાનો તાજમહલ પણ જતો રહેશે અને તમે ૭ અજાયબીઓનાં ફોટા ફેસબુક પર જોતાં હશો.

અને આ વસ્તુમાં હું પણ સામેલ જ છું. જ્યાં સુધી આ સોશિયલ મીડીય નહોતું ત્યાં સુધી હું વેકેશનમાં લગભગ નવરી રહેતી. ઘણાં વિચારો આવતાં, કાગળમાંથી નવું નવું બનાવતી, ક્રાફ્ટ કરતી, ચિત્રો દોરતી, ડાયરી લખતી, ( મહેરબાનીથી પુસ્તકો હજી પણ એટલા વંચાય છે) પણ મારાથી પણ હવે આ છૂટી ગયું છે કારણકે હું નવરી પડતી જ નથી. હા, હું સોશિયલ મીડીયાથી મારા બધા દોસ્તો સાથે જોડાયેલી છું પણ મારા આત્યારનાં જે ૪-૫ દોસ્તો છે તેમને બાદ કરતાં હું મારા જુના મિત્રોને મળવાનું તો દૂર રહ્યુ , ફોન પણ નથી કરતી. મારું જૂનુ કેરમ બોર્ડ ધૂળ ખાય છે. પત્તાં માત્ર કબાટમાં ઉપર જૂના ફોટો- આલ્બમ સાથે ગોઠવાયેલા છે. અને મારી પાસે કંઈ જ રમવાનો સમય નથી.

વેકેશન હોવા છતાંય હું સતત કશામાં લાગી છું. હું મને એટલો સમય જ નથી આપતી કે કોઈ નવો વિચાર મારા સુધી પહોંચી શકે કે કંઈક ક્રીએટીવ થાય. અને આ કદાચ આપણા બધા અનુભવીએ છીએ અને બધા અંદર જાણીએ પણ છીએ.  સમસ્યા સોશિયલ મીડીયા નથી, પણ તેનો વધારે પડતો ઉપયોગ છે. જ્યાં જરૂર ના હોય ત્યાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને તેના કારણે વર્ચ્યુઅલ દુનિયા માણવામાં કયાંક રીઅલ દુનિયા રહી જાય છે. મને લાગે છે કે દરેકનો એક નિશ્ચિત સમય હોવો જોઈએ. કોઈક વાર ખાલી બેસી રહો તો કંઈક નવું જાણવા મળશે, નવું દેખાશે, નવા વિચારો આવશે, નવો અનુભવ થશે, નવું સર્જાશે – ટૂંકમાં કોઈક વાર નવરું પડવું, વિચારવું પોતાના વિશે.

હું  યોગામાં જઉં છું ત્યાં અમને તે બહેન કહે છે કે જ્યારે પણ કોઈ આસાન કરો કે પ્રાણાયમ કરો – તમારા શ્વાસ પર ધ્યાન આપો, તેને ગણો, અનુભવો. કારણકે તે સૌથી કીંમતી વસ્તુ છે, એ છે તો તમે છો પણ તમે તેના પર જ કોઈ દિવસ ધ્યાન નથી આપતા. દિવસનો આ એક કલાક પણ તમે તેની પર ધ્યાન આપશો તો તે આખા જીવન દરમિયાન તમારું ધ્યાન રાખશે. તે જ રીતે આપણે થોડો સમય પોતાને પણ ફાળવવો જોઈએ અને તેના માટે આપણે બધાએ નવરા રહેવાની કળા શીખવી પડશે બસ !

this is my article in gujarati e magazine :- “Vicharyatra”.

Thank you  Maulikbhai 🙂

to read more :-

vicharyatra magazine

 

 

 

પડદા પાછળ…!!

પડદા પાછળ…!!

નાટકનો તો મને હંમેશા શોખ રહ્યો છે ( ઘરમાં આપણે નાટકબાજ તરીકે જ જાણીતા છે 🙂 ) પણ ખરેખર નાટક કરવાની તક મને બે મહિના પહેલા જ મળી. નાટક કરવા અને જોવા બંને મારી ગમતી વસ્તુ પણ અત્યાર સુધી તો સ્કૂલમાં જ નાટક કર્યા હતા અને જ્યારે કોલેજમાંથી પણ નાટક કરવાનુ આવ્યુ ત્યારે મને તો એમ જ કે વાંધો નહીં આવે ! પણ નાટક કરવું, નાટક જોવુ અને નાટક ખરેખર પ્રસ્તુત કરવું- ત્રણેય અલગ છે. પહેલા જ દિવસે સરે અમને કહ્યુ કે બની શકે એટલા ઊંચા અવાજે બોલો – વોઈસ મોડ્યુલેશનની પ્રેક્ટીસ. જેણે નાટકમાં પહેલીવાર જ ભાગ લીધો હોય એમના માટે આ બધું તો અડધું સમજ બહારનું છે પણ જ્યારે તમે ૨૦૦ માણસની કેપેસીટી વાળા હોલમાં પરફોર્મન્સ આપો ત્યારે માઈક ના હોય તો પણ છેક સુધી અવાજ સંભળાય એની તકેદારી રાખવી પડે, ત્યારે નાટક પહોંચે !

નાટક શબ્દ નાટય અને નટ પરથી આવ્યો છે. નટ કરે તે નાટક ! નાટક લગભગ હંમેશા આગળથી જ જોયુ છે પણ પડદાની પાછળ જે કરામતો થતી હોય છે ને તે ખરેખર વખાણવા લાયક હોય છે. કારણકે પડદાની પાછળ વાળા “ના” હોય ને તો પડદાની આગળ વાળા કંઈ જ ન કરી શકે, અરે વીંગમાંથી સ્ટેજ પર પણ ના આવી શકે. કારણકે નાટક એટલે માત્ર ડાયલોગ બોલી જાણવા કે પછી અભિનય કરવો એ જ નથી, તમારે જ્યાં બેસવાનું છે તે ખુરશી પણ લાઈટની રેન્જમાં મૂકાય, તમારો શર્ટ બદલાય, મેક-અપ બદલાય, અંધારુ થતા તમને પાછા વીંગમાં લઈ જવાય- આ બધું પણ “નાટક” જ છે.

મારી ઈચ્છા તો  હતી કે હું પણ કોઈ રોલ કરુ પણ શરૂઆતમાં મારી સ્પીડ બહું જ આવતી બોલવામાં અને આમ પણ મારું ક્રાફ્ટ વર્ક સારું તો મને તે સોંપવામાં અાવ્યું. અમારું નાટક સોશિયલ મીડીયા પર હતું તો તેમાં અમારે બે મોટી ફ્રેમ બનાવવાની હતી – ફેસબુક અને વોટ્સઅપની. ત્યારે પહેલી વાર મને ખબર પડી કે હું આવી રીતે મોટી ફ્રેમ પણ બનાવી શકુ છું. ( પહેલા તો મને આમ જ લાગતું કે આટલુ મોટું તો થાય જ નહીં.) પણ થઈ ગયું. ખબર પડી કે ઘણીવાર માથા પર કામ ના આવે ત્યાં સુધી આપણને ખબર જ નથી હોતી કે આપણે શું કરી શકીએ છીએ.

આ સાથે તમારે દરેક વસ્તુ ના વિકલ્પો વિચારવા પડે છે. નાટકમાં છેલ્લા દિવસ સુધી કરેક્ટરો બદલાતા રહે છે. મુખ્ય રોલની દોસ્તના રોલ માટે અમે ૧૫ છોકરીઓ હતી. સરે ૧૫ દિવસ સુધી અલગ અલગ છોકરી પાસે કરાવ્યું. ઘણી વાર બે-બે વાર કરાવ્યું. અને છેવટે મેં જેયારે આશા મૂકી દીધી કે હવે આ રોલ મને નહીં મળે ત્યારે જ એક વાર બોલાવી મને ફાઈનલ કરી. છેલ્લે સરે કહ્યું હતું કં તું ધ્યાનમાં તો હતી જ પણ નાટકમાં રોલ કરવામાં ક્રાફ્ટનું કામ ન થાય તો ઊપાધિ અને આ રોલ માટે ઘણા છે પણ ક્રાફ્ટ તું જ કરી શકે તેમ છે. બે વસ્તુ હંમેશા રાખવી- ધીરજ અને પોતાની પર શ્રદ્ધા ! જે કરો તે મન લગાવીને કરો કારણકે દરેક કામની નોંધ લેવાય છે અને એ જ તમને આગળ પહોંચોડે છે.

પહેલા મને લાગતું કે આ હીરો- હીરોઈનને તો શુ હવે- એક્સપ્રેશન તો આવી જાય આમ મોં પર.( It’s easy man..!! :)) પણ ત્યારે ખબર પડી કે તમે ૧૫ દિવસથી એક ડાયલોગો બોલતા હોવ અને ત્યારે દર વખતે એક જ એક્સપ્રેશન આપવા કેટલા અઘરા હોય છે ઘણીવાર તો આપણે ખબર હોય નેક્સ્ટ ડાયલોગ શું છે  કે  એટલે ત્યારે તો સામેવાળું બોલે એ પહેલા જ રીએક્ટ કરી દેવાય કારણકે આપણા મનમાં તે કેટલીય વાર થઈ ચૂક્યો હોય છે. પણ આખો અનુભવ મજેદાર રહ્યો. ખાસ કરીને છેલ્લા દિવસોમાં અમે આખો દિવસ ત્યાં જ રહેતા – રાતે ૧૨ વાગી જતા. કારણકે અમારે અંધારામાં પ્રેક્ટિસ કરવાની હોય. Black out માં entry, exist, અને બધી પ્રોપટી ગોઠવવાની – અને તેમાં તો શું સીન થાય. અંધારામાં બધાં આંધળા. એક બીજા સાથે અથડાય, પડે, ખુરશીની જગ્યાએ ટેબલ મૂકાય – એક સીનમાં અમારે ૭ જણને લાઈનમાં આવવાનું હતું, અંધારામાં આગળવાળા નો પગ કશેક અથડાયો અને બધા ધડાધડ નીચે ( તેમાં આપણેય સામેલ હતાં :D)

છેલ્લા દિવસે તો પ્રેક્ટિસમાં સર આખા નાટકમાં હસતાં રહ્યાં. બધાંની સામે જોઈ જોર જોરથી હસે અને લગભગ બધાથી હસાઈ જાય એટલે સર ઝાટકણી કાઢે. કારણકે નાટકમાં આપણે કોમેડી ડાયલોગ બોલતા હોય, ઓડિયન્સ હસતી હોય પણ આપણે ન હસાય. તમારી સામે જોઈને જોર જોરથી હસે, કમેન્ટ પણ કરે પણ તમે ના હસી શકો. નાટકમાં ઘણી વસ્તુ તો એવી હોય કે ત્યાં સ્ટેજ પર જ બને. હવે અમારા નાટકમાં એક ખુરશી ના અાવી શકી જેની પર બેસવાનું હતું. તો પછી તે જ પ્રમાણે ત્યાં જ નિર્યણ લઈ, આંખોમાં ઈશારા કરી તમારે મુવમેન્ટ ન્રક્કી કરવી પડે છે. – અને આ તો સૌથી વધારે જરૂરી.

બે મીનીટમાં સાડી કેવી રીતે પહેરાય, આખેઆખા કપડા કેવી રીતે બદલાય, બેડરૂમમાંથી પોલીસ-સ્ટેશનનો સીન કેવી રીતે બનાવાય, ટાઈમ કેવી રીતે સચવાય – આ બધું તો શીખવા મળ્યુ સાથે એક ૧૭-૨૦ જણને કેવી રીતે બાંધી રાખવા, દરેકને સરખું મહત્વ આપવું, સાથ આપવો, રાતે ૧૧ વાગે ખરાબ રીહર્સલ બાદ જ્યારે બધાના મૂડ ડાઊન હોય ત્યારે પેલી મોટીવેશનવાળી સ્પીચ સાંભળવી, નાટક ચાલતું હોય અને બાહર બાકીના લોકો એ જ ડાયલોગ બોલતાં હોય ( નાટક તો બધાંને આખું મોઢે થઈ જ જાય)  ૫-૬ કલાકની  પછી રાતે  ૧૨ વાગે દાબેલી ખવાય, લાઈટ- મ્યુઝિક સાથે પ્રેક્ટીસ પછી ગરબા થાય, નાટકની પહેલા એક જોરદાર ગ્રુપ હગ થાય- અને આ “બેક-સ્ટેજ” વગર  તો કોઈ પણ નાટક પ્રસ્તુત કરવું શક્ય નથી…!! 🙂

“All the world’s a stage, and All the men and women are merely players, they have their exists and entrances; and one man in his time plays many parts.”